રશ્મિકા મંદાનાનો બોક્સ ઓફિસ પર દબદબો
રશ્મિકા મંદાનાનો બોક્સ ઓફિસ પર દબદબો
Blog Article
બોલીવૂડમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સૌથી વધુ કલેક્શન મેળવનારી ફિલ્મોની યાદીમાંથી ત્રણ ફિલ્મોમાં એક સમાનતા જોવા મળી છે. એક ફિલ્મમાં રીવેન્જ ડ્રામા છે, બીજી પાન ઈન્ડિયા એક્શન ફિલ્મ છે અને તાજેતરમાં હિટ રહેલી ફિલ્મ હિસ્ટોરિકલ ડ્રામા છે. આ ત્રણેય ફિલ્મોની સમાનતા રશ્મિકા મંદાના છે. રશ્મિકાએ ‘એનિમલ’, ‘પુષ્પા 2’ અને ‘છાવા’ ત્રણેય ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને આ ત્રણેય ફિલ્મોએ બોક્સઓફિસમાં સુપરડુપર હિટ ગઇ છે.
રશ્મિકાની ત્રણ ફિલ્મો છેલ્લા 16 મહિનામાં રિલીઝ થઈ છે અને ત્રણેય ફિલ્મે ઇતિહાસ સર્જ્યો છે. એકંદરે આ ત્રણ ફિલ્મોએ વૈશ્વિક ક્ષેત્રે બોક્સ ઓફિસ પર રૂ. 3300 કરોડનો બિઝનેસ કર્યો છે. જેમાં 700 કરોડથી વધુનો બિઝનેસ કરનારી ‘છાવા’ની આગેકૂચ હજુ યથાવત છે. રશ્મિકાએ તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે અને ત્યાંના દર્શકો માટે એ સુપરસ્ટાર છે. હિન્દી ફિલ્મોમાં નવી હોવા છતાં રશ્મિકાએ બોક્સ ઓફિસ પર સફળતાના મામલે દીપિકા અને આલિયા જેવાં બોલીવૂડ સ્ટાર્સને પાછળ રાખી દીધાં છે.
‘એનિમલ’, ‘પુષ્પા 2’ અને ‘છાવા’એ હિન્દી ભાષી રાજ્યોમાં પણ કલેક્શનના રેકોર્ડ તોડ્યા છે. ‘પુષ્પા 2’ને આવા પ્રાંતમાં નેટ રૂ.812 કરોડ, ‘એનિમલ’ને રૂ.503 કરોડ અને ‘છાવા’ને 532 કરોડ મળ્યા છે. આ ત્રણેય ફિલ્મોનું ટોટલ કલેક્શન 1850 કરોડ થાય છે, જેના કારણે રશ્મિકાને હવે બોલીવૂડમાં બોક્સ ઓફિસની ક્વીન કહેવામાં આવે છે.
પ્રિયંકા ચોપરીએ અમેરિકામાં વસવાટ શરૂ કર્યા પછી દીપિકા પદુકોણને બોલીવૂડ ક્વીન તરીકે ઓળખવામાં આવે છે. કેટરિના કૈફ અને કંગના રણોતે દીપિકાને ટક્કર આપવાનો થોડો પ્રયાસ કર્યો હતો, પરંતુ દીપિકાનું સ્થાન યથાવત રહ્યું હતું. તે પછીની પેઢીમાં આલિયા ભટ્ટ મોખરે છે. આલિયાની જ પેઢીની કહી શકાય તેવી 28 વર્ષની રશ્મિકાએ બે વર્ષમાં જ બોલીવૂડની મોટી અભિનેત્રીઓને ચિંતામાં મૂકી દીધી છે. વર્ષ 2023થી દીપિકાની પાંચ ફિલ્મો રિલીઝ થઈ છે અને તેનું હિન્દી પ્રાંતનું કલેક્શન રૂ.1800 કરોડ છે, જ્યારે આલિયાની ફિલ્મોને આ જ સમયગાળામાં માંડ રૂ.300 કરોડની આવક થઈ છે.
આલિયા અને દીપિકા સાથે રશ્મિકાની તુલના બાબતે કેટલાક બોલીવૂડ સમીક્ષકોનું માનવું છે કે, બ્લોકબસ્ટર સાબિત થયેલી ફિલ્મોમાં રશ્મિકાના ભાગે ખાસ કશું કરવાનું જ ન હોતું. હીરોના કારણે આ ફિલ્મો ચાલી હતી અને તેથી રશ્મિકાએ દીપિકા કે આલિયાને પછડાટ આપી તેમ કહી શકાય નહીં. જોકે, બોલીવૂડની મોટાભાગની ફિલ્મો પણ હીરોના નામે જ દર્શકો જોવા જાય છે. આથી રશ્મિકાને બોક્સઓફિસ ક્વીન કહેવામાં કંઇ ખોટું જણાતું નથી.